મુખ્ય સામગ્રી પર જાઓ

ધોરણ 10 chapter 5 વિજ્ઞાન: મનુષ્યનું ઉત્સર્જનતંત્ર અને ગ્લુકોઝ વિઘટનના પરિપથો (IMP)( STD 10 th Chapter 5 Science Gujrati ma)

પ્રકરણ 5: જૈવિક ક્રિયાઓ (Life Processes)

સંપૂર્ણ શોર્ટ નોટ્સ, IMP પ્રશ્નો અને રોજિંદા જીવનના ઉદાહરણો

કેમ છો મિત્રો? 👋

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણું હૃદય કેમ ધબકે છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું લોહી કેવી રીતે બને છે? આ બધું જ જે ક્રિયાઓ દ્વારા થાય છે તેને કહેવાય છે 'જૈવિક ક્રિયાઓ'. આ પ્રકરણમાં આપણે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન જેવી ગંભીર પણ રસપ્રદ વાતોને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો, વિજ્ઞાનની આ સફર શરૂ કરીએ!

1. પોષણ (Nutrition)

જીવંત રહેવા માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા આપણને 'ખોરાક' માંથી મળે છે. પોષણના મુખ્ય બે પ્રકાર છે:

  • સ્વયંપોષી પોષણ: વનસ્પતિઓ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે.
  • વિષમપોષી પોષણ: જે સજીવો અન્ય પર નિર્ભર છે (જેમ કે આપણે મનુષ્યો, પ્રાણીઓ, ફૂગ વગેરે).
મનુષ્યમાં પાચન (Human Digestive System): આપણે જે રસોઈ ખાઈએ છીએ તે જટિલ હોય છે. લાળગ્રંથિમાંથી નીકળતો એમાયલેઝ ઉત્સેચક સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. જઠરમાં HCl અને પેપ્સિન ખોરાકને પચાવે છે. સૌથી વધુ પાચન નાના આંતરડામાં થાય છે.

2. શ્વસન (Respiration)

માત્ર શ્વાસ લેવો એ શ્વસન નથી, પણ લીધેલા ઓક્સિજન દ્વારા ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવી એ અસલી શ્વસન છે.

  • જારક શ્વસન: ઓક્સિજનની હાજરીમાં (વધુ ઉર્જા મળે).
  • અજારક શ્વસન: ઓક્સિજનની ગેરહાજરીમાં (જેમ કે ઈસ્ટમાં અથવા આપણી સ્નાયુપેશીમાં જ્યારે આપણે દોડીએ ત્યારે લાઈક્ટિક એસિડ બને છે).

3. વહન (Transportation) - આપણું હૃદય

આપણા શરીરમાં લોહી એક ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવું છે. તે ઓક્સિજન અને પોષક તત્વોને દરેક કોષ સુધી પહોંચાડે છે. આપણું હૃદય એક પંપ છે જે સતત લોહીને ધકેલે છે.

યાદ રાખવા જેવું: ધમની શુદ્ધ લોહી (ઓક્સિજનયુક્ત) લઈ જાય છે, જ્યારે શિરા અશુદ્ધ લોહી (CO₂) પાછું લાવે છે. (અપવાદ: ફુપ્ફુસ ધમની/શિરા).

4. ઉત્સર્જન (Excretion)

શરીરમાં બનેલા ઝેરી કચરાને બહાર કાઢવો એટલે ઉત્સર્જન. મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ કિડની (મૂત્રપિંડ) છે. કિડનીમાં લાખો ગાળણ એકમો હોય છે જેને નેફ્રોન (મૂત્રપિંડ નલિકા) કહેવાય છે.

🚀 યાદ રાખવાની શોર્ટ ટ્રિક (Table)

ક્રિયા મુખ્ય અંગ / ઘટક યાદ રાખવાની ટ્રિક
પાચન નાનું આંતરડું સંપૂર્ણ પાચન અહીં જ થાય!
શ્વસન વાયુકોષ્ઠો હવાની આપ-લેનું કેન્દ્ર.
વહન હૃદય (પંપ) ૪ ખંડોવાળું મશીન.
ઉત્સર્જન નેફ્રોન (ગાળણી) લોહીને શુદ્ધ કરવાનું કામ.

મિત્રો, આ પ્રકરણમાંથી આકૃતિઓ વારંવાર પૂછાય છે, એટલે પાચનતંત્ર, હૃદય અને ઉત્સર્જનતંત્રની આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરી લેવી. ઓલ ધ બેસ્ટ!


ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 - ૨ ગુણના મોસ્ટ IMP પ્રશ્ન-જવાબ

૧. જઠરમાં એસિડની ભૂમિકા સમજાવો.

  • જઠરની દીવાલમાં આવેલી ગ્રંથિઓ હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) નો સ્ત્રાવ કરે છે.
  • તે ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
  • તે ખોરાકને એસિડિક બનાવે છે, જેથી પેપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પાચન કરી શકે.
  • તે ખોરાકને નરમ બનાવે છે જેથી પાચન પ્રક્રિયા સરળ બને છે.

૨. ધમની અને શિરા વચ્ચેનો તફાવત આપો.

  • ધમની હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર લઈ જાય છે.
  • શિરા શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર પાછું લાવે છે.
  • ધમનીની દીવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે.
  • શિરાની દીવાલ પાતળી હોય છે અને તેમાં રુધિરને પાછું પડતું રોકવા વાલ્વ હોય છે.

૩. લાળરસની પાચનમાં ભૂમિકા સમજાવો.

  • લાળરસ ખોરાકને ભીનો અને ચીકણો બનાવે છે જેથી તે સહેલાઈથી ગળી શકાય.
  • તેમાં લાળરસીય એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે.
  • આ ઉત્સેચક ખોરાકમાં રહેલા જટિલ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે.
  • તે મોંની અંદરના ભાગોની સ્વચ્છતા જાળવવામાં પણ મદદ કરે છે.

૪. જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો.

  • જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
  • જારક શ્વસનમાં અંતિમ નીપજ તરીકે   CO₂ અને પાણી મળે છે.
  • અજારક શ્વસનમાં ઇથેનોલ, લૅક્ટિક એસિડ અથવા CO₂ ઉત્પન્ન થાય છે.
  • જારક શ્વસનમાં વધુ ઉર્જા મુક્ત થાય છે, જ્યારે અજારકમાં ખૂબ ઓછી ઉર્જા મળે છે.

૫. વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર સમજાવો.

  • પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે.
  • આ ક્રિયાને ખોરાકનું સ્થળાંતર (Translocation) કહેવામાં આવે છે.
  • આ પ્રક્રિયામાં ATP માંથી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ખોરાકનું વહન વનસ્પતિના ઉપરના તેમજ નીચેના બંને ભાગો તરફ થાય છે.

૬. પિત્તરસનું મહત્વ સમજાવો.

  • પિત્તરસ યકૃતમાંથી ઝરે છે અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે.
  • તે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય (બેઝિક) બનાવે છે.
  • તે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં તોડે છે (તૈલોદીકરણ).
  • તે લાઈપેઝ ઉત્સેચકની ચરબી પરની પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.

૭. લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો.

  • તે રુધિરકેશિકાઓમાંથી બહાર નીકળતું રંગહીન પ્રવાહી છે.
  • તેમાં રુધિરરસ જેવા જ ઘટકો હોય છે પરંતુ પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે.
  • તે નાના આંતરડા દ્વારા પચેલી ચરબીના વહનનું કાર્ય કરે છે.
  • તે શરીરમાં બહારથી આવતા રોગકારકો સામે લડીને રક્ષણ પૂરું પાડે છે.

૮. હિમોગ્લોબિનની ઉણપને કારણે શું અસરો થાય?

  • હિમોગ્લોબિન રુધિરમાં ઓક્સિજનના વહન માટે જવાબદાર શ્વસન રંજકદ્રવ્ય છે.
  • તેની ઉણપને કારણે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળી શકતો નથી.
  • આના કારણે વ્યક્તિને જલ્દી થાક લાગે છે, અશક્તિ અને ચક્કર આવે છે.
  • આ સ્થિતિને એનિમિયા (પાંડુરોગ) કહેવામાં આવે છે.



બોર્ડ પરીક્ષા વિશેષ: ૩ અને ૪ ગુણના સવિસ્તાર પ્રશ્નો

૧. પ્રકાશસંશ્લેષણ એટલે શું? તેની પ્રક્રિયા અને તબક્કા સમજાવો.

વ્યાખ્યા: લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક (કાર્બોદિત/ગ્લુકોઝ) બનાવે છે, આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.

રાસાયણિક પ્રક્રિયા:

6CO₂ + 12H₂O + સૂર્યપ્રકાશ + ક્લોરોફિલ → C₆H₁₂O₆ + 6O₂ + 6H₂O

પ્રકાશસંશ્લેષણના મુખ્ય તબક્કા:

  1. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થવું.
  2. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું અને પાણીના અણુઓનું હાઈડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થવું.
  3. કાર્બન ડાયોક્સાઈડનું કાર્બોદિતો (ગ્લુકોઝ) માં રિડક્શન થવું.
પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાની રાસાયણિક પ્રક્રિયા અને આકૃતિ - ધોરણ 10 વિજ્ઞાન

૨. નાના આંતરડામાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે?

નાનું આંતરડું એ ખોરાકના સંપૂર્ણ પાચન માટેનું સૌથી મહત્વનું અંગ છે. અહીં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન નીચે મુજબ થાય છે:

(A) પિત્તરસનો ફાળો: યકૃતમાંથી નીકળતો પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય (બેઝિક) બનાવે છે. તે ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં વિઘટન કરે છે (તૈલોદીકરણ), જેથી ઉત્સેચકો સરળતાથી કાર્ય કરી શકે.

(B) સ્વાદુરસનો ફાળો: સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે છે જેમાં નીચેના ઉત્સેચકો હોય છે:

  • ટ્રિપ્સિન: પ્રોટીનનું પાચન કરે છે.
  • લાઇપેઝ: તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે.
  • એમાયલેઝ: જટિલ કાર્બોદિતનું પાચન કરે છે.

અંતિમ નીપજ: અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે.

મનુષ્યનું પાચનતંત્ર - નાના આંતરડામાં ખોરાકનું પાચન.

૩. રુધિરના ઘટકો જણાવી તેના કાર્યો લખો.

રુધિર એ એક પ્રવાહી સંયોજક પેશી છે. તેના મુખ્ય બે ભાગ છે: રુધિરરસ (પ્લાઝમા) અને રુધિર કોષો.

રુધિર કોષોના પ્રકાર અને કાર્યો:

  1. રક્તકણો (RBC): તેમાં 'હીમોગ્લોબિન' નામનું શ્વસનરંજક દ્રવ્ય હોય છે, જે ફેફસામાંથી ઓક્સિજનનું શરીરના દરેક કોષો સુધી વહન કરે છે.
  2. શ્વેતકણો (WBC): આ શરીરના સૈનિકો છે. તે શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.
  3. ત્રાકકણો (Platelets): જ્યારે આપણને ઈજા થાય અને લોહી નીકળે, ત્યારે આ કોષો રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે, જેથી વધુ લોહી વહી ન જાય.

રુધિરરસ (Plasma): તે પીળાશ પડતું પ્રવાહી છે જે ખોરાક, CO₂ અને નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે.

૪. વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન સમજાવો.

વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. આ પ્રક્રિયા બે રીતે કામ કરે છે:

(A) મૂળદબાણ: મૂળના કોષો જમીનમાંથી આયનો મેળવે છે, જેનાથી મૂળ અને જમીન વચ્ચે સાંદ્રતાનો તફાવત સર્જાય છે. આ તફાવતને લીધે પાણી મૂળમાં પ્રવેશે છે અને ઉપરની તરફ ધકેલાય છે.

(B) ઉત્સ્વેદન ખેંચાણ (Transpiration Pull): પર્ણરંધ્રો દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને ઉત્સ્વેદન કહે છે. જ્યારે પર્ણોમાંથી પાણી ઉડે છે, ત્યારે એક પ્રકારનું ખેંચાણ (Suction) પેદા થાય છે, જે મૂળમાંથી પાણીને ખૂબ ઊંચાઈ સુધી (વૃક્ષની ટોચ સુધી) ઉપર ખેંચે છે.

મહત્વ: આ પ્રક્રિયા વનસ્પતિમાં તાપમાનનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે.

--- આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે છે ---

પ્રકરણ 5: ૪ ગુણના સવિસ્તાર પ્રશ્નો (આકૃતિ સાથે)

૧. મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી ખોરાકના પાચનની પ્રક્રિયા સમજાવો.

મનુષ્યના પાચનતંત્રની આકૃતિ અને ખોરાકના પાચનની પ્રક્રિયા - ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5


મનુષ્યના પાચનતંત્રના મુખ્ય અંગો:

મનુષ્યનું પાચનતંત્ર મુખથી શરૂ થઈ મળદ્વાર સુધી લંબાયેલો લાંબો પથ છે, જેમાં ખોરાકનું પાચન નીચે મુજબ થાય છે:

  1. મુખ અને મુખગુહા:
    • ખોરાકનું પાચન મુખમાં ચાવવાથી શરૂ થાય છે.
    • લાળગ્રંથિમાંથી લાળરસ સ્ત્રવે છે, જેમાં લાળરસીય એમાયલેઝ (Salivary Amylase) ઉત્સેચક હોય છે.
    • આ એમાયલેઝ સ્ટાર્ચ (જટિલ કાર્બોદિત) નું શર્કરા (સરળ કાર્બોદિત) માં પાચન શરૂ કરે છે.
  2. અન્નનળી:
    • મુખમાંથી પચ્યા વગરનો ખોરાક અને આંશિક રીતે પચેલો ખોરાક 'ક્રમાનુસંકુચન' ગતિ દ્વારા જઠરમાં ધકેલાય છે.
  3. જઠર:
    • જઠરની દીવાલો જઠરગ્રંથિઓ ધરાવે છે જે હાઈડ્રોક્લોરિક એસિડ (HCl), પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.
    • HCl એસિડિક માધ્યમ પૂરું પાડી પેપ્સિન ઉત્સેચકને કાર્ય કરવા સક્ષમ બનાવે છે અને ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે.
    • પેપ્સિન પ્રોટીનનું પાચન કરી તેને પેપ્ટોન્સમાં રૂપાંતરિત કરે છે.
  4. નાનું આંતરડું:
    • ખોરાકના સંપૂર્ણ પાચન માટેનું મુખ્ય સ્થાન છે. અહીં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે.
    • યકૃતમાંથી પિત્તરસ: જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. તે ચરબીના મોટા ગોલકોનું 'તૈલોદીકરણ' કરી નાના ગોલકોમાં રૂપાંતર કરે છે, જેથી લાઇપેઝ ઉત્સેચક કાર્ય કરી શકે.
    • સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ: તેમાં ટ્રિપ્સિન (પ્રોટીન પાચન), લાઇપેઝ (ચરબી પાચન) અને એમાયલેઝ (કાર્બોદિત પાચન) ઉત્સેચકો હોય છે.
    • આંતરડાની દીવાલો પણ આંતરડા રસનો સ્ત્રાવ કરે છે, જે અંતે કાર્બોદિતને ગ્લુકોઝમાં, પ્રોટીનને એમિનો એસિડમાં અને ચરબીને ફેટી એસિડ તથા ગ્લિસરોલમાં રૂપાંતરિત કરે છે.
    • પાચિત ખોરાકનું શોષણ નાના આંતરડામાં આવેલી આંગળીઓ જેવી રચના રસાંકુરો દ્વારા થાય છે, જે શોષણ સપાટીમાં વધારો કરે છે.
  5. મોટું આંતરડું:
    • અહીં અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે.
    • બાકી રહેલો કચરો મળ સ્વરૂપે મળાશયમાં એકત્ર થાય છે.
  6. મળદ્વાર:
    • મળદ્વાર મારફતે અપાચિત ખોરાક શરીરની બહાર ત્યાગ થાય છે.

૨. મનુષ્યના હૃદયની આંતરિક રચનાની આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવો.

મનુષ્યના હૃદયની આંતરિક રચના અને રુધિરનું પરિવહન દર્શાવતી આકૃતિ

હૃદયની આંતરિક રચના:

મનુષ્યનું હૃદય એક સ્નાયુલ અંગ છે, જે લગભગ આપણી મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે અને રુધિરને આખા શરીરમાં પમ્પ કરવાનું કાર્ય કરે છે. તે મુખ્યત્વે ચાર ખંડોમાં વિભાજિત થયેલું છે:

  1. ઉપરના બે ખંડો: ડાબું કર્ણક અને જમણું કર્ણક.
  2. નીચેના બે ખંડો: ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક.

કર્ણકો અને ક્ષેપકો જાડી સ્નાયુમય દીવાલ (પડદા) દ્વારા એકબીજાથી અલગ પડે છે, જેથી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર ભળી ન જાય.

રુધિરનું પરિવહન (બેવડું પરિવહન):

મનુષ્યના હૃદયમાં રુધિર બે વખત પસાર થાય છે, જેને બેવડું પરિવહન કહેવાય છે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. ઓક્સિજનવિહીન રુધિર (અશુદ્ધ રુધિર):
    • શરીરના વિવિધ અંગોમાંથી ઓક્સિજનવિહીન (CO₂ યુક્ત) રુધિર મહાશિરાઓ દ્વારા હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશે છે.
    • જમણું કર્ણક સંકોચાય ત્યારે આ રુધિર જમણા ક્ષેપકમાં જાય છે.
    • જમણું ક્ષેપક સંકોચાય ત્યારે રુધિર ફુપ્ફુસ ધમની દ્વારા ફેફસાં તરફ ધકેલાય છે, જ્યાં રુધિરનું શુદ્ધિકરણ થાય છે (CO₂ બહાર નીકળી O₂ ભળે છે).
  2. ઓક્સિજનયુક્ત રુધિર (શુદ્ધ રુધિર):
    • ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત (O₂ યુક્ત) રુધિર ફુપ્ફુસ શિરા દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં પ્રવેશે છે.
    • ડાબું કર્ણક સંકોચાય ત્યારે આ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.
    • ડાબું ક્ષેપક સંકોચાય ત્યારે રુધિર મહાધમની દ્વારા પ્રચંડ દબાણ સાથે આખા શરીરમાં પમ્પ થાય છે.

આમ, હૃદયના ડાબા અને જમણા ખંડો રુધિરને ભળતું અટકાવે છે, જે ઉર્જાની વધુ જરૂરિયાતવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ (જેમ કે મનુષ્યો) માટે અત્યંત કાર્યક્ષમ પદ્ધતિ છે.

--- આ પ્રશ્નો બોર્ડ પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ અપાવવા માટે સક્ષમ છે! ---

પ્રકરણ 5: ઉત્સર્જન અને શ્વસન (૪ ગુણના IMP પ્રશ્નો)

૩. મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ દોરી મૂત્રનિર્માણની પ્રક્રિયા સમજાવો.

મનુષ્યના ઉત્સર્જનતંત્રની આકૃતિ - કિડની અને મૂત્રાશય


મનુષ્યનું ઉત્સર્જનતંત્ર રુધિરમાંથી નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.

મનુષ્યના ઉત્સર્જનતંત્રના અંગો:

  • એક જોડ મૂત્રપિંડ: ઉદર ગુહામાં કરોડસ્તંભની બંને બાજુએ આવેલા છે, જે રુધિરને ગાળવાનું કાર્ય કરે છે.
  • એક જોડ મૂત્રવાહિની: મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડતી નલિકા.
  • મૂત્રાશય: મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી.
  • મૂત્રમાર્ગ: શરીરની બહાર મૂત્રનો નિકાલ કરતો માર્ગ.

નેફ્રોન (વૃક્કાણુ) ની રચના અને મૂત્રનિર્માણ:

દરેક મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો આવેલા છે જેને નેફ્રોન કહે છે. તે મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

મૂત્રનિર્માણના તબક્કા:

  1. ગાળણ: રુધિર જ્યારે નેફ્રોનના રુધિરકેશિકા ગુચ્છમાં વહે છે, ત્યારે ઊંચા દબાણે તેમાંથી ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષારો અને પાણી ગળાઈને બાઉમેનની કોથળીમાં આવે છે.
  2. પુનઃશોષણ: આ ગાળણ જ્યારે નલિકામાંથી પસાર થાય છે, ત્યારે શરીર માટે જરૂરી દ્રવ્યો (ગ્લુકોઝ, પાણી, ક્ષારો) રુધિરકેશિકાઓ દ્વારા પાછા શોષાઈ જાય છે.
  3. ઉત્સર્જન: બાકી રહેલું પ્રવાહી જેમાં મુખ્યત્વે યુરિયા અને યુરિક એસિડ હોય છે, તેને મૂત્ર કહેવાય છે, જે મૂત્રાશયમાં એકઠું થાય છે.

૪. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો.

કોષીય શ્વસન દરમિયાન ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું વિઘટન ત્રણ રીતે થાય છે. સૌ પ્રથમ કોષરસમાં ગ્લુકોઝ (૬ કાર્બન અણુ) નું વિઘટન થઈ ૩ કાર્બન ધરાવતો પાયરુવેટ બને છે.

ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથોનો ચાર્ટ - જારક અને અજારક શ્વસન પ્રક્રિયા


વિઘટનના વિવિધ પરિપથો:

  1. ઓક્સિજનની ગેરહાજરીમાં (અજારક શ્વસન - ઈસ્ટમાં):
    પાયરુવેટનું વિઘટન થઈ ઈથેનોલ, કાર્બન ડાયોક્સાઈડ અને ઓછી ઉર્જા મુક્ત થાય છે.
  2. ઓક્સિજનના અભાવે (મનુષ્યની સ્નાયુપેશીમાં):
    જ્યારે સ્નાયુઓમાં ઓક્સિજન ઓછો હોય (કસરત દરમિયાન), ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે, જેને કારણે સ્નાયુઓ જકડાઈ જાય છે.
  3. ઓક્સિજનની હાજરીમાં (જારક શ્વસન - કણાભસૂત્રમાં):
    કણાભસૂત્રમાં પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ વિઘટન થઈ CO₂, પાણી અને પુષ્કળ પ્રમાણમાં ATP (ઉર્જા) મુક્ત થાય છે.
ગ્લુકોઝ → પાયરુવેટ + ઉર્જા → (વિવિધ પરિપથો)
--- આ પ્રશ્નો બોર્ડ પરીક્ષામાં વારંવાર પૂછાય છે ---

Science chapter 6 👇https://pramukhdps.blogspot.com/2026/01/10-6-imp-std-10-chapter-6-science.html

🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)

​બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.

​👉 અહીં ક્લિક કરો: સંપૂર્ણ PDF ડાઉનલોડ કરો (₹60)