મુખ્ય સામગ્રી પર જાઓ

Title: ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 2: એસિડ, બેઇઝ અને ક્ષાર - shorts notes દ્વારા સંપૂર્ણ સમજૂતી( std 10 science Chapter 2)

📘 પ્રકરણ-૨: એસિડ, બેઇઝ અને ક્ષાર (સંપૂર્ણ રિવિઝન નોટ્સ)

બોર્ડની પરીક્ષા માટે ખાસ તૈયાર કરેલી 'વન-સ્ટોપ' નોટ્સ


૧. એસિડ અને બેઇઝને ઓળખો

ગુણધર્મ એસિડ (Acid) બેઇઝ (Base)
સ્વાદ સ્વાદે ખાટા હોય છે. સ્વાદે તૂરા અને ચીકણા હોય છે.
લિટમસ કસોટી ભૂરા લિટમસને લાલ બનાવે. લાલ લિટમસને ભૂરું બનાવે.
આયન પાણીમાં H+ આયન આપે. પાણીમાં OH- આયન આપે.

🧪 સૂચકો (Indicators):

એસિડ અને બેઇઝની હાજરી તપાસતા પદાર્થોને સૂચક કહે છે.

  • કુદરતી: લિટમસ, હળદર, લાલ કોબીજના પાન.
  • કૃત્રિમ: મિથાઈલ ઓરેન્જ, ફિનોલ્ફથેલીન.
  • ધાણેન્દ્રિય સૂચક: જેમની ગંધ એસિડ/બેઇઝમાં બદલાય. (દા.ત. ડુંગળી, વેનીલા અર્ક, લવિંગનું તેલ).

૨. રાસાયણિક પ્રક્રિયાઓ (Most IMP)

A. ધાતુ સાથે પ્રક્રિયા:

એસિડ + ધાતુ → ક્ષાર + હાઈડ્રોજન વાયુ (H2)

Zn + H2SO4 → ZnSO4 + H2

*યાદ રાખો: હાઈડ્રોજન વાયુ પોપ (Pop) અવાજ સાથે સળગે છે.


B. તટસ્થીકરણ પ્રક્રિયા:

એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે.

NaOH (બેઇઝ) + HCl (એસિડ) → NaCl (ક્ષાર) + H2O (પાણી)


૩. pH માપક્રમ: એસિડિટી માપવાનું સાધન

pH માપક્રમ 0 થી 14 સુધી હોય છે.

  • 🔴 pH < 7 : દ્રાવણ એસિડિક છે. (0 ની નજીક એટલે વધુ પ્રબળ એસિડ)
  • 🟢 pH = 7 : દ્રાવણ તટસ્થ છે. (શુદ્ધ પાણી)
  • 🔵 pH > 7 : દ્રાવણ બેઝિક છે. (14 ની નજીક એટલે વધુ પ્રબળ બેઇઝ)

🏠 રોજિંદા જીવનમાં pH નું મહત્વ (૪ ગુણ):

  1. પાચનતંત્ર: આપણું જઠર HCl ઉત્પન્ન કરે છે. જો એસિડ વધી જાય (એસિડિટી), તો આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા [Mg(OH)2] લઈએ છીએ.
  2. દાંતનો સડો: મોઢાની pH 5.5 થી ઘટે એટલે દાંત સડવાનું શરૂ થાય. ચોકલેટ ખાધા પછી બ્રશ એટલે જ કરવું જોઈએ!
  3. ખેતી: જમીન બહુ એસિડિક હોય તો ખેડૂતો ચૂનો (CaO) ઉમેરે છે, અને બહુ બેઝિક હોય તો જિપ્સમ ઉમેરે છે.
  4. મધમાખીનો ડંખ: ડંખમાં મેથેનોઈક એસિડ હોય છે. તેના પર ખાવાનો સોડા લગાડવાથી રાહત મળે છે.

૪. ઉપયોગી ક્ષાર (The Big Four)

૧. વિરંજન પાવડર (Bleaching Powder)

સૂત્ર: CaOCl2

ઉપયોગ: પીવાના પાણીને જંતુરહિત કરવા અને કાપડ ઉદ્યોગમાં.

૨. બેકિંગ સોડા (ખાવાનો સોડા)

સૂત્ર: NaHCO3

ઉપયોગ: ભજીયાને પોચા અને ક્રિસ્પી બનાવવા તથા એસિડિટીમાં રાહત મેળવવા.

૩. વોશિંગ સોડા (ધોવાનો સોડા)

સૂત્ર: Na2CO3 · 10H2O

ઉપયોગ: કાચ અને સાબુ ઉદ્યોગમાં તથા પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા.

૪. પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)

સૂત્ર: CaSO4 · ½H2O

ઉપયોગ: ભાંગેલા હાડકાં જોડવા અને સુંદર મૂર્તિઓ બનાવવા.


🌟 પરીક્ષા માટે માસ્ટર ટિપ્સ:

  • એસિડ હંમેશા પાણીમાં ઉમેરો, ક્યારેય એસિડમાં પાણી નાખવું નહીં (તે વિસ્ફોટક હોઈ શકે!).
  • શુદ્ધ નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, પણ વરસાદનું પાણી કરે છે કારણ કે તેમાં એસિડ ભળેલો હોય છે.
  • જ્યારે એસિડ પાણીમાં ભળે, ત્યારે H3O+ (હાઈડ્રોનિયમ આયન) બને છે.

તૈયાર છો? આ નોટ્સ એકવાર વાંચી લો અને બોર્ડની પરીક્ષામાં પ્રકરણ-૨ માં પૂરેપૂરા માર્કસ મેળવો! 🎯

🎯 બોર્ડ પરીક્ષા લક્ષી મોસ્ટ IMP હેતુલક્ષી પ્રશ્નો

૧. બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

  1. કોઈ દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH સંભવિત રીતે કેટલી હશે?
    (A) 1   (B) 4   (C) 5   (D) 10
  2. લીંબુના રસની pH કેટલી હોય છે?
    (A) 7 થી ઓછી   (B) 7   (C) 7 થી વધુ   (D) 14
  3. કૌવચ (Nettle) ના ડંખમાં કયો એસિડ હોય છે?
    (A) સાઇટ્રિક   (B) મેથેનોઈક   (C) ટાર્ટરિક   (D) ઓક્ઝેલિક
  4. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર કયું છે?
    (A) CaSO4•2H2O   (B) CaSO4•½H2O   (C) Na2CO3   (D) CaOCl2
  5. દાંતનું ઉપરનું પડ (એનામલ) શેનું બનેલું હોય છે?
    (A) કેલ્શિયમ ફોસ્ફેટ   (B) સોડિયમ ક્લોરાઈડ   (C) કેલ્શિયમ કાર્બોનેટ   (D) પોટેશિયમ
  6. અપચાના ઉપચાર માટે કઈ દવા વપરાય છે?
    (A) એન્ટિબાયોટિક   (B) એનાલેજેસિક   (C) એન્ટાસિડ   (D) એન્ટિસેપ્ટિક
  7. વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે?
    (A) NaOH   (B) CaOCl2   (C) NaHCO3   (D) HCl

૨. ખાલી જગ્યા પૂરો

  1. એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
  2. જઠરમાં ખોરાકના પાચન માટે HCL (હાઈડ્રોક્લોરિક એસિડ) ઉત્પન્ન થાય છે.
  3. શુદ્ધ પાણીની pH નું મૂલ્ય 7 હોય છે.
  4. જિપ્સમને 373 K તાપમાને ગરમ કરવાથી પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) મળે છે.
  5. મધમાખીના ડંખમાં મેથેનોઈક એસિડ હોય છે.
  6. સાબુનું દ્રાવણ સ્વભાવે બેઝિક હોય છે.
  7. ચૂનાના પાણીનું રાસાયણિક સૂત્ર Ca(OH)2 છે.

૩. ખરા-ખોટા જણાવો

  1. એસિડ સ્વાદે તૂરા હોય છે. - ખોટું (ખરું: ખાટા હોય)
  2. pH પેપર પર દ્રાવણ લાલ રંગ આપે તો તે એસિડિક છે. - ખરું
  3. દાંતનું ક્ષયન ત્યારે શરૂ થાય જ્યારે મોઢાની pH 5.5 થી વધે. - ખોટું (ખરું: 5.5 થી ઘટે ત્યારે)
  4. નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. - ખરું
  5. ખાવાના સોડાનું સૂત્ર Na2CO3 છે. - ખોટું (ખરું: NaHCO3)
  6. દહીંમાં ટાર્ટરિક એસિડ હોય છે. - ખોટું (ખરું: લેક્ટિક એસિડ)
  7. રક્તની pH આશરે 7.4 હોય છે. - ખરું

💎 ક્ષારના સ્ફટિક અને સ્ફટિક જળ

પ્રયોગ: એક શુષ્ક કસનળીમાં થોડા કોપર સલ્ફેટના સ્ફટિક લો અને તેને ગરમ કરો.

reaction of zinc granules with dilute sulphuric acid experiment std 10 science gujarati


🔍 અવલોકન:

  • ગરમ કરવાથી સ્ફટિકનો ભૂરો રંગ દૂર થાય છે અને તે સફેદ બને છે.
  • કસનળીની દીવાલ પર પાણીના ટીપાં જોવા મળે છે.
  • આ પાણી "સ્ફટિક જળ" છે જે ક્ષારના બંધારણમાં જોડાયેલું હોય છે.

🧪 રાસાયણિક સમીકરણ (Balanced):

CuSO4•5H2O CuSO4 + 5H2O
(ભૂરો કોપર સલ્ફેટ) → (સફેદ કોપર સલ્ફેટ) + (પાણી)
💡 વ્યાખ્યા (IMP):
ક્ષારના એકમ સૂત્રમાં રહેલા પાણીના નિશ્ચિત અણુઓની સંખ્યાને સ્ફટિક જળ કહે છે. દા.ત. જિપ્સમમાં 2 અણુ હોય છે:CuSO₄·5H₂O

🍋 ૧. એસિડ (Acid) વિશે સંપૂર્ણ માહિતી 2 mark 

😋 સ્વાદ: એસિડ સ્વાદે ખાટા હોય છે.

🧪 લિટમસ કસોટી: તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે.

💡 યાદ રાખવાની ટ્રીક: એ-ભૂ-લા (એસિડ ભૂરાને લાલ કરે)

🔋 આયન: એસિડને પાણીમાં ઓગાળતા તે H+ (હાઇડ્રોજન આયન) મુક્ત કરે છે.


🏠 રોજિંદા જીવનના ઉદાહરણો:

સ્ત્રોત એસિડનું નામ
લીંબુ અને નારંગી સાઇટ્રિક એસિડ
આમલી ટાર્ટરિક એસિડ
દહીં લેક્ટિક એસિડ
વિનેગર (સરકો) એસિટિક એસિડ

⚗️ પ્રયોગશાળામાં વપરાતા એસિડ:

હાઇડ્રોક્લોરિક એસિડ
HCl
સલ્ફ્યુરિક એસિડ
H2SO4

🧼 ૨. બેઇઝ (Base) વિશે સંપૂર્ણ માહિતી 2 marks 

👅 સ્વાદ: બેઇઝ સ્વાદે તૂરા હોય છે અને સ્પર્શે ચીકણા (સાબુ જેવા) હોય છે.

🧪 લિટમસ કસોટી: તે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે.

💡 યાદ રાખવાની ટ્રીક: બે-લા-ભૂ (બેઇઝ લાલને ભૂરું કરે)

🔋 આયન: બેઇઝને પાણીમાં ઓગાળતા તે OH- (હાઇડ્રોક્સિલ આયન) મુક્ત કરે છે.


🏠 રોજિંદા જીવનના ઉદાહરણો:

સ્ત્રોત / પદાર્થ વિગત / રાસાયણિક નામ
સાબુનું પાણી તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે.
ખાવાનો સોડા (Baking Soda) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3)
ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ (Ca(OH)2)
એન્ટાસિડ (મિલ્ક ઓફ મેગ્નેશિયા) મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ (Mg(OH)2) - એસિડિટી ઘટાડવા વપરાય છે.

⚗️ પ્રયોગશાળામાં વપરાતા બેઇઝ:

સોડિયમ હાઇડ્રોક્સાઇડ
NaOH
પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
KOH

🧪 પ્રયોગ: એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા 4 marks/3marks

📍 હેતુ: મંદ એસિડની ધાતુ (ઝિંક) સાથેની પ્રક્રિયા તપાસવી અને ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુની કસોટી કરવી.

🛠️ સાધનો અને પદાર્થો:

  • સાધનો: કસોટી નળી (ટેસ્ટ ટ્યુબ), વિમોચન નળી, સ્ટેન્ડ, કસનળી પકડવા માટે હોલ્ડર, મીણબત્તી, સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર.
  • પદાર્થો: દાણાદાર ઝિંક (Zn), મંદ સલ્ફ્યુરિક એસિડ (H2SO4).

Zn granules reaction with dilute H_2SO_4 acid and hydrogen gas pop test experiment std 10 science gujarati


📝 પ્રયોગ પદ્ધતિ:

  1. એક કસોટી નળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ (H2SO4) લો.
  2. તેમાં થોડા દાણાદાર ઝિંક (Zn) ના ટુકડા ઉમેરો અને કસનળીને બુચ વડે બંધ કરી વિમોચન નળી જોડો.
  3. તમે ઝિંકના ટુકડાની સપાટી પર વાયુના પરપોટા બનતા જોશો.
  4. આ ઉત્પન્ન થતા વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણ ભરેલા પાત્રમાંથી પસાર કરો.
  5. સાબુના દ્રાવણમાં હાઈડ્રોજન વાયુથી ભરેલા પરપોટા ઉત્પન્ન થશે અને તે હવામાં ઉપર જશે.
  6. વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લાવો.

🧐 અવલોકન:

જ્યારે સળગતી મીણબત્તી વાયુના પરપોટા નજીક લાવીએ છીએ, ત્યારે તે 'પોપ' (Pop) અવાજ (ધડાકા) સાથે સળગી ઉઠે છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે મુક્ત થતો વાયુ હાઈડ્રોજન (H2) છે.

⚗️ રાસાયણિક સમીકરણ (Balanced):

Zn(s) + H2SO4(aq) → ZnSO4(aq) + H2(g) ↑
(ઝિંક) + (મંદ સલ્ફ્યુરિક એસિડ) → (ઝિંક સલ્ફેટ) + (હાઈડ્રોજન વાયુ)

📌 નિર્ણય:

આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઈડ્રોજન વાયુ આપે છે.

સામાન્ય સૂત્ર: ધાતુ + મંદ એસિડ → ક્ષાર + હાઈડ્રોજન વાયુ

🍽️ પાચનતંત્રમાં pH નું મહત્વ (એસિડિટી અને ઉપચાર)4mark/3 mark

આપણા શરીરની પાચન પ્રક્રિયામાં pH નું સ્તર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો તેને વિગતવાર સમજીએ:

૧. જઠર અને હાઈડ્રોક્લોરિક એસિડ (HCl)

આપણું જઠર ખોરાકના પાચન માટે કુદરતી રીતે જ મંદ હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) ઉત્પન્ન કરે છે. આ એસિડ જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે.

૨. અપચો અને એસિડિટી

જ્યારે આપણે વધુ પડતું કે તીખું ભોજન લઈએ છીએ અથવા અપચો (Indigestion) થાય છે, ત્યારે જઠર ખૂબ જ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે. આ વધારાના એસિડને લીધે જઠરમાં બળતરા અને દુખાવો થાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં 'એસિડિટી' કહીએ છીએ.

૩. ઉપચાર: એન્ટાસિડ (Antacids)

એસિડિટીના ઉપચાર માટે 'એન્ટાસિડ' નામના પદાર્થોનો ઉપયોગ થાય છે. એન્ટાસિડ એ સ્વભાવે મંદ બેઇઝ હોય છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડ સાથે પ્રક્રિયા કરી તેને તટસ્થ કરે છે અને દુખાવામાં રાહત આપે છે.

🥛 મિલ્ક ઓફ મેગ્નેશિયા: એસિડિટી માટે સૌથી વધુ વપરાતું એન્ટાસિડ 'મિલ્ક ઓફ મેગ્નેશિયા' છે.

રાસાયણિક નામ: મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ
સૂત્ર: Mg(OH)2

૪. રાસાયણિક પ્રક્રિયા (તટસ્થીકરણ)

જઠરમાં થતી પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય:

Acid (HCl) + Base [Mg(OH)2] → Salt + Water (H2O)

📌 બોર્ડ પરીક્ષા ટિપ: ૪ માર્કસ માટે આકૃતિ દોરવાની જરૂર નથી, પરંતુ મુદ્દાસર લખાણ અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર લખવું અનિવાર્ય છે.

🦷 દાંતનું ક્ષયન (Tooth Decay) અને pH નું મહત્વ 4marks/3marks 

પ્રશ્ન: "મોઢાની pH માં ફેરફાર થવાને કારણે દાંતનો સડો કેવી રીતે થાય છે? તેને અટકાવવાના ઉપાયો જણાવો." (૪ ગુણ)


૧. દાંતનું સખત આવરણ (Enamel)

દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ [Ca3(PO4)2] જેવા કઠણ પદાર્થનું બનેલું હોય છે. તે શરીરનો સૌથી સખત પદાર્થ છે. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ જ્યારે મોઢાની અંદરની pH 5.5 કરતા ઘટે ત્યારે તે ખવાવા લાગે છે, જેને દાંતનું ક્ષયન કહે છે.

૨. સડો થવાનું મુખ્ય કારણ

જ્યારે આપણે શર્કરા (ગળ્યા પદાર્થો) કે ખોરાક ખાઈએ છીએ, ત્યારે મોઢામાં હાજર બેક્ટેરિયા ખોરાકના કણોનું વિઘટન કરીને એસિડ ઉત્પન્ન કરે છે. આ એસિડને કારણે મોઢાની pH ઘટે છે. જો આ pH 5.5 થી નીચે જાય, તો તે દાંતના એનામલને નુકસાન પહોંચાડે છે અને કાણાં (કેવિટી) પાડે છે.

૩. દાંતનો સડો અટકાવવાના ઉપાયો

  • મોઢાની સફાઈ: જમ્યા પછી હંમેશા મોઢું બરાબર સાફ કરવું જોઈએ જેથી ખોરાકના કણો દૂર થાય.
  • ટૂથપેસ્ટનો ઉપયોગ: દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ સામાન્ય રીતે બેઝિક (Alkaline) હોય છે. તે મોઢામાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરે છે અને સડો અટકાવે છે.
  • ગળ્યા પદાર્થો પર નિયંત્રણ: ચોકલેટ, મીઠાઈ અને ઠંડા પીણાંનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
યાદ રાખો: pH < 5.5 = દાંતનો સડો શરૂ

📌 બોર્ડ પરીક્ષા ટિપ: કેલ્શિયમ ફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર Ca3(PO4)2 લખવાથી તમારા જવાબની અસર વધશે!

🌱 જમીનમાં pH નું મહત્વ (Soil pH and Plant Growth)4/3 mark 

પ્રશ્ન: "છોડના તંદુરસ્ત વિકાસ માટે જમીનની pH શા માટે મહત્વની છે? જમીનની એસિડિટી કે બેઝિકતા કેવી રીતે દૂર કરી શકાય?" (૪ ગુણ)


૧. છોડના વિકાસ માટે આદર્શ pH

છોડના તંદુરસ્ત વિકાસ માટે જમીનની pH એક મર્યાદામાં હોવી જરૂરી છે. મોટાભાગના છોડ 6.5 થી 7.3 pH ધરાવતી જમીનમાં સારી રીતે વિકાસ પામે છે. જો જમીનની pH આનાથી ઓછી (એસિડિક) અથવા વધુ (બેઝિક) હોય, તો છોડની વૃદ્ધિ અટકી જાય છે.

૨. એસિડિક જમીન (pH < 6.5)

જ્યારે જમીનની pH 6.5 થી ઓછી હોય, ત્યારે તેને એસિડિક જમીન કહેવાય છે. આવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો તેમાં લાઈમ (Quick Lime - CaO) ઉમેરે છે. લાઈમ એ બેઝિક પદાર્થ હોવાથી તે જમીનની એસિડિટી ઘટાડે છે.

૩. બેઝિક જમીન (pH > 7.3)

જ્યારે જમીનની pH 7.3 થી વધુ હોય, ત્યારે તેને બેઝિક અથવા આલ્કલાઇન જમીન કહેવાય છે. આવી જમીનને ખેતીલાયક બનાવવા માટે ખેડૂતો તેમાં જિપ્સમ (CaSO4•2H2O) ઉમેરે છે. જિપ્સમ જમીનની વધુ પડતી બેઝિકતાને દૂર કરવામાં મદદ કરે છે.

૪. જમીનની કસોટી

ખેડૂતો ખેતરના અલગ-અલગ ભાગમાંથી જમીનનો નમૂનો લઈ, તેને પાણીમાં ઓગાળી અને ગાળી લીધા બાદ યુનિવર્સલ ઈન્ડિકેટર (pH પેપર) ની મદદથી જમીનની pH જાણી શકે છે. આના આધારે કયા પાક લેવા અને કયા ખાતર વાપરવા તેનો નિર્ણય લેવામાં આવે છે.

💡 શોર્ટ ટ્રીક: એસિડિક જમીન + લાઈમ (CaO) | બેઝિક જમીન + જિપ્સમ

🛡️ પ્રાણીઓ અને વનસ્પતિમાં આત્મરક્ષણ (Self-Defense by pH)4/3 mark 

પ્રશ્ન: "મધમાખી કે કૌવચના ડંખમાં કયો એસિડ હોય છે? તેનાથી થતી અસરો અને ઉપચાર જણાવો." (૪ ગુણ)


૧. મધમાખીનો ડંખ

જ્યારે મધમાખી કોઈને ડંખ મારે છે, ત્યારે તે આપણા શરીરમાં મેથેનોઈક એસિડ (ફોર્મિક એસિડ) મુક્ત કરે છે. આ એસિડને કારણે ડંખ મારવાની જગ્યાએ ખૂબ જ બળતરા અને સોજો આવે છે.

ઉપચાર: ડંખ મારેલા ભાગ પર ખાવાનો સોડા (NaHCO3) જેવો મંદ બેઇઝ લગાવવાથી એસિડ તટસ્થ થાય છે અને દુખાવામાં રાહત મળે છે.

૨. કૌવચ વનસ્પતિના ડંખ મારતા રોમ

કૌવચ (Nettle) એક જંગલી વનસ્પતિ છે. તેના પાંદડા પર નાના-નાના ડંખ મારતા રોમ (વાળ) હોય છે. જ્યારે કોઈ ભૂલથી તેને અડકે છે, ત્યારે તે રોમ દ્વારા શરીરમાં મેથેનોઈક એસિડ (HCOOH) દાખલ કરે છે, જેનાથી તીવ્ર દુખાવો અને ખંજવાળ આવે છે.

૩. કુદરતી ઉપચાર (ડોક પ્લાન્ટ)

કુદરતમાં જ્યાં કૌવચ ઉગે છે, તેની આસપાસ જ અવારનવાર 'ડોક' (Dock) નામના છોડ જોવા મળે છે. ડોકના પાંદડા સ્વભાવે બેઝિક હોય છે. કૌવચનો ડંખ વાગ્યો હોય ત્યાં ડોકના પાંદડા ઘસવાથી દુખાવો મટી જાય છે.

🔬 અગત્યના મુદ્દા:

ડંખનો પ્રકાર રહેલો એસિડ રાસાયણિક સૂત્ર
મધમાખી / લાલ કીડી મેથેનોઈક એસિડ HCOOH
કૌવચના રોમ મેથેનોઈક એસિડ HCOOH

📌 બોર્ડ પરીક્ષા ટિપ: યાદ રાખજો કે કીડીના ડંખ અને મધમાખીના ડંખ બંનેમાં મેથેનોઈક એસિડ જ હોય છે!

🧪 વિરંજન પાવડર (બ્લીચિંગ પાવડર)4 marks

📍 રાસાયણિક નામ: કેલ્શિયમ ઓક્સિક્લોરાઇડ

📍 રાસાયણિક સૂત્ર: CaOCl2

⚒️ બનાવટ:

ક્લોર-આલ્કલી પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના [Ca(OH)2] સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે.

Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O

🛡️ ઉપયોગો:

  • ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન (રંગ દૂર કરવા) માટે.
  • કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે.
  • પીવાના પાણીને જંતુરહિત (Disinfectant) કરવા માટે.
  • રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે.

🍞 ખાવાનો સોડા (Baking Soda)4 marks 

📍 રાસાયણિક નામ: સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

📍 રાસાયણિક સૂત્ર: NaHCO3

⚒️ બનાવટ:

સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી તે બને છે.

NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3

🍴 ઉપયોગો:

  • ખોરાક (જેમ કે ભજીયા, કેક) ને પોચા અને કુરકુરા બનાવવા માટે.
  • એસિડિટીના ઉપચારમાં એન્ટાસિડ તરીકે.
  • સોડા-એસિડ અગ્નિશામકમાં આગ ઓલવવા માટે.
  • બેકિંગ પાવડર બનાવવા માટે (ખાવાનો સોડા + ટાર્ટરિક એસિડ).

🧼 ધોવાનો સોડા (Washing Soda)4 marks

📍 રાસાયણિક નામ: સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ

📍 રાસાયણિક સૂત્ર: Na2CO3•10H2O

⚒️ બનાવટ:

બેકિંગ સોડાને ગરમ કરવાથી મળતા સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે.

Na2CO3 + 10H2O → Na2CO3•10H2O

🧺 ઉપયોગો:

  • કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં.
  • બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં.
  • ઘરોમાં સફાઈના પ્રક્ષાલક તરીકે.
  • પાણીની સ્થાયી કઠિનતા (Hardness) દૂર કરવા માટે.

🏥 પ્લાસ્ટર ઓફ પેરિસ (P.O.P.)4 marks

📍 રાસાયણિક નામ: કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ

📍 રાસાયણિક સૂત્ર: CaSO4•½H2O

⚒️ બનાવટ:

જિપ્સમને 373 K તાપમાને ગરમ કરવાથી તે પાણીના અણુઓ ગુમાવી POP બને છે.

CaSO4•2H2O → CaSO4•½H2O + 1½H2O

🏗️ ઉપયોગો:

  • ડોક્ટરો ભાંગી ગયેલા હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા પ્લાસ્ટર તરીકે.
  • રમકડાં અને સજાવટની સામગ્રી બનાવવા માટે.
  • દીવાલની સપાટીને લીસી બનાવવા માટે.
  • ચોક બનાવવા માટે.


આ ચારમાંથી એક્ઝામ એક હોય જ છે

Science chapter 3👉 https://pramukhdps.blogspot.com/2026/01/10-3-imp-class-10-science-chapter.html

🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)

​બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.

​👉 અહીં ક્લિક કરો: સંપૂર્ણ PDF ડાઉનલોડ કરો (₹60)