મુખ્ય સામગ્રી પર જાઓ

Std 10 Science Chapter 1 Gujarati Medium: IMP પ્રશ્નો અને આકૃતિઓ

પ્રકરણ 1: રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

સંપૂર્ણ થિયરી અને રોજિંદા જીવનના ઉદાહરણોનું પોસ્ટમોર્ટમ

🌟 પ્રસ્તાવના: આપણી આસપાસનું વિજ્ઞાન

આ પ્રકરણ ખરેખર ખૂબ જ રસપ્રદ છે કારણ કે તે આપણી આસપાસ રોજબરોજ બનતી ઘટનાઓ સાથે જોડાયેલું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે લોખંડને કાટ કેમ લાગે છે અથવા આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કેવી રીતે પચે છે? આ બધું જ 'રાસાયણિક પ્રક્રિયા'ને કારણે થાય છે. જ્યારે પણ કોઈ નવો પદાર્થ બને અને તેના ગુણધર્મો બદલાઈ જાય, ત્યારે સમજવું કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ પ્રકરણમાં આપણે શીખવાનું છે કે આવી પ્રક્રિયાઓને 'સમીકરણ' સ્વરૂપે કેવી રીતે લખાય. સૌથી મહત્વની વાત એ છે કે સમીકરણને સંતુલિત (Balance) કરવું પડે છે, કારણ કે દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી. આ ઉપરાંત, આપણે સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન જેવી પ્રક્રિયાઓ વિશે પણ જાણીશું, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ IMP છે. જો તમે આ પ્રકરણના પાયાના નિયમો સમજી લેશો, તો આખું કેમિસ્ટ્રી તમારા માટે રમકડા જેવું થઈ જશે!

જ્યારે પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખ બદલાઈ જાય, ત્યારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, પદાર્થના પરમાણુઓ વચ્ચેના જૂના બંધ તૂટે છે અને નવા બંધ બને છે.

1. રાસાયણિક પ્રક્રિયાની ઓળખ કેવી રીતે કરવી?

કોઈ પણ જગ્યાએ જાદુ નથી થતો, વિજ્ઞાનના ચોક્કસ સંકેતો હોય છે. જો તમને નીચેનામાંથી કોઈ પણ ફેરફાર દેખાય, તો સમજી લેવું કે પ્રક્રિયા ચાલુ છે:

  • અવસ્થામાં પરિવર્તન: જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળીને પ્રવાહી પાણી બનાવે.
  • રંગમાં પરિવર્તન: લોખંડની ખીલી કોપર સલ્ફેટમાં મુકતા તેનો રંગ બદલાવો.
  • વાયુનો ઉદભવ: ઝિંકના દાણા પર એસિડ નાખતા હાઇડ્રોજન ગેસના પરપોટા નીકળવા.
  • તાપમાનમાં ફેરફાર: ચૂનામાં પાણી નાખતા વાસણનું એકદમ ગરમ થઈ જવું.

2. રાસાયણિક સમીકરણો: તેને સંતુલિત કેમ કરવા પડે?

વિજ્ઞાનમાં આપણે આખી ઘટનાને ટૂંકમાં લખીએ છીએ. પણ અહીં એક નિયમ છે - દ્રવ્ય સંચયનો નિયમ. આ નિયમ કહે છે કે તમે પ્રક્રિયામાં નવું દ્રવ્ય બનાવી શકતા નથી કે તેનો નાશ કરી શકતા નથી. એટલે કે, પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય, તેટલા જ નીપજોમાં હોવા જોઈએ.

ઉદાહરણ: Fe + H₂O → Fe₃O₄ + H₂
આ સમીકરણમાં બંને બાજુ પરમાણુ સરખા નથી. તેને સંતુલિત કરવા માટે આપણે યોગ્ય સહગુણકો મુકવા પડે છે. સંતુલિત સમીકરણ આ મુજબ થશે:
3Fe + 4H₂O → Fe₃O₄ + 4H₂

🛡️ પ્રક્રિયાઓના પ્રકાર: એક વિગતવાર અભ્યાસ

(A) સંયોગીકરણ પ્રક્રિયા (Combination)

જ્યારે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થઈને એક જ નવી વસ્તુ બનાવે.
રોજિંદું ઉદાહરણ: આપણે જ્યારે કોલસો સળગાવીએ છીએ ત્યારે તે હવામાંના ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે.
સમીકરણ: C(s) + O₂(g) → CO₂(g)

(B) વિઘટન પ્રક્રિયા (Decomposition)

આમાં એક મોટો પદાર્થ તૂટીને નાના ટુકડાઓ (નીપજો) માં વહેંચાય છે.
ખાસ પ્રકાર: સૂર્યપ્રકાશ દ્વારા થતું વિઘટન. સિલ્વર ક્લોરાઈડને સૂર્યપ્રકાશમાં રાખતા તે રાખોડી રંગનું બને છે. આનો ઉપયોગ પહેલાના સમયમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં થતો હતો.

(C) વિસ્થાપન પ્રક્રિયા (Displacement)

આ 'તાકાતવર' ધાતુની રમત છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ઘરેથી (દ્રાવણમાંથી) કાઢી મૂકે છે.
પ્રયોગ: જો તમે કોપર સલ્ફેટના વાદળી દ્રાવણમાં લોખંડની ખીલી નાખો, તો લોખંડ કોપરને હટાવી દેશે અને દ્રાવણ લીલું થઈ જશે.

3. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ છે?

આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પુછાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ (બટાકા, ભાત, રોટલી), તેમાં કાર્બોદિત હોય છે. પાચન દરમિયાન તે ગ્લુકોઝમાં ફેરવાય છે. આપણા શરીરના કોષોમાં આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે મળીને આપણને ઉર્જા આપે છે. ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે.

C₆H₁₂O₆ + 6O₂ → 6CO₂ + 6H₂O + ઉર્જા

🧪 ઓક્સિડેશન, રિડક્શન અને આપણું જીવન

ક્ષારણ (Corrosion): લોખંડ પર કથ્થઈ કાટ લાગવો, તાંબા પર લીલું પડ જામવું - આ બધું ક્ષારણ છે. આના કારણે દર વર્ષે દેશને કરોડોનું નુકસાન થાય છે.
ખોરાપણું (Rancidity): તેલયુક્ત ખોરાક જ્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે તે ખરાબ ગંધ મારવા લાગે છે. આ જ કારણ છે કે વેફરના પેકેટમાં ઓક્સિજન કાઢીને નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે, જેથી તે તાજી રહે.

📌 બોર્ડની પરીક્ષા માટે 'સુપર ટિપ્સ'

  • મેગ્નેશિયમની પટ્ટીવાળો પ્રયોગ આકૃતિ સાથે તૈયાર કરવો.
  • વિઘટન પ્રક્રિયાના ત્રણેય પ્રકારો (ઉષ્મીય, વિદ્યુત અને પ્રકાશીય) ના એક-એક સમીકરણ મોઢે કરી લેવા.
  • રેડોક્સ પ્રક્રિયામાં કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન, તે ઓળખતા શીખી લેવું.
  • ક્ષારણ અટકાવવાના ઉપાયો (ઝીંકનું સ્તર - ગેલ્વેનાઈઝેશન) ટૂંકનોંધ તરીકે પુછાય છે.

With pramukhstudyqueen5 

📊 પ્રકરણ-1: વન-લાઇનર રિવિઝન ટેબલ (MCQ, ખાલી જગ્યા, ખરા-ખોટા માટે)
ટોપિક / પ્રશ્ન યાદ રાખવાની મુખ્ય વાત (જવાબ) પરીક્ષામાં કેવી રીતે પૂછાય?
મેગ્નેશિયમની પટ્ટીનું દહન જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. MCQ માં જ્યોતનો રંગ પૂછાય.
કળીચૂનો (CaO) + પાણી સંયોગીકરણ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ખાલી જગ્યા: આ પ્રક્રિયામાં બીકર ____ લાગે છે. (ગરમ)
શ્વેત-શ્યામ ફોટોગ્રાફી સિલ્વર ક્લોરાઈડ (AgCl) અથવા AgBr. જોડકાં જોડો અથવા MCQ માં પૂછાય.
શ્વસન (Respiration) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખરા-ખોટામાં પૂછાય શકે.
પાણીનું વિદ્યુત વિભાજન હાઈડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય છે. MCQ: કયો વાયુ બમણો હોય છે? (H2)
લોખંડનું કટાવું (ક્ષારણ) ભેજ અને એસિડની હાજરીમાં થાય છે. કારણ આપો અથવા ખાલી જગ્યા.
ચિપ્સના પેકેટમાં ગેસ નાઈટ્રોજન (N2) એન્ટી-ઓક્સિડન્ટ તરીકે. ખાલી જગ્યા: ખોરાપણું અટકાવવા ____ ગેસ વપરાય.
💡 બ્લોગ ટિપ: વિદ્યાર્થીઓને આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લેવો, કારણ કે આમાંથી સેક્શન-A ના ઓછામાં ઓછા 2 પ્રશ્નો બોર્ડમાં હોઈ શકે છે.

📌 પ્રશ્ન: સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

૧. વ્યાખ્યા (Definition):
જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નીપજ બનતી હોય, તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

૨. ઉદાહરણ: કળીચૂના અને પાણીની પ્રક્રિયા

જ્યારે બીકરમાં રાખેલા કળીચૂના (કેલ્શિયમ ઓક્સાઈડ) માં પાણી ઉમેરવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ જોરશોરથી પ્રક્રિયા કરે છે.

std 10 science ch 1 combination reaction of calcium oxide with water gujarati


૩. રાસાયણિક સમીકરણ

CaO (s) + H2O (l) → Ca(OH)2 (aq) + ઉષ્મા
(કળીચૂનો) + (પાણી) → (ફોડેલો ચૂનો)

૪. અગત્યના મુદ્દાઓ:

  • આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નીપજ બનાવે છે.
  • પ્રક્રિયા દરમિયાન પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, તેથી તેને "ઉષ્માક્ષેપક પ્રક્રિયા" કહે છે.
  • દીવાલો ધોળવા માટે આ રીતે બનેલા Ca(OH)2 ના દ્રાવણનો ઉપયોગ થાય છે.
💡 બોર્ડની પરીક્ષા માટે:
ઘણીવાર ૧ માર્કમાં કળીચૂના અને ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર પૂછાય છે. યાદ રાખજો:
• કળીચૂનો = CaO
• ફોડેલો ચૂનો = Ca(OH)2

📌 પ્રશ્ન: વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

૧. વ્યાખ્યા (Definition):
જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવાથી (ઉષ્મા આપવાથી) તે તૂટીને બે કે તેથી વધુ સાદી નીપજો બનાવે, તેને વિઘટન પ્રક્રિયા કહે છે.

૨. ઉદાહરણ-૧: ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન

શુષ્ક કસનળીમાં ફેરસ સલ્ફેટ (FeSO₄) ના સ્ફટિકને ગરમ કરતા તેનો લીલો રંગ બદલાય છે અને સલ્ફરની બળતી વાસ આવે છે.

2FeSO4(s) → Fe2O3(s) + SO2(g) + SO3(g)
(ફેરસ સલ્ફેટ) → (ફેરિક ઓક્સાઈડ) + (સલ્ફર ડાયોક્સાઈડ) + (સલ્ફર ટ્રાયોક્સાઈડ)

૩. ઉદાહરણ-૨: લેડ નાઈટ્રેટનું ઉષ્મીય વિઘટન (Most IMP)

કસનળીમાં લેડ નાઈટ્રેટ (NO₃) ને ગરમ કરતા તેમાંથી કથ્થઈ રંગનો ધુમાડો નીકળે છે, જે નાઈટ્રોજન ડાયોક્સાઈડ NO₂  વાયુ 

thermal decomposition of lead nitrate brown fumes experiment std 10 science gujarati


2Pb(NO3)2(s) → 2PbO(s) + 4NO2(g) + O2(g)
(લેડ નાઈટ્રેટ) → (લેડ ઓક્સાઈડ) + (નાઈટ્રોજન ડાયોક્સાઈડ) + (ઓક્સિજન)

૪. નિષ્કર્ષ:

  • વિઘટન પ્રક્રિયામાં હંમેશા ઉર્જા આપવી પડે છે (ગરમી, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે).
  • તેથી જ બધી જ વિઘટન પ્રક્રિયાઓ "ઉષ્માશોષક પ્રક્રિયા" કહેવાય છે.
🔥 પરીક્ષા માટે શોર્ટ ટ્રીક:
જો પરીક્ષામાં "કથ્થઈ રંગનો ધુમાડો" શબ્દ આવે, તો સમજી લેવું કે જવાબમાં NO2 વાયુ જ આવશે. આ ખાલી જગ્યામાં વારંવાર પૂછાય છે!

📌 પ્રશ્ન: વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

૧. વ્યાખ્યા (Definition):
જે રાસાયણિક પ્રક્રિયામાં વધારે સક્રિય તત્વઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે (ખસેડે), તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

૨. પ્રાયોગિક ઉદાહરણ: લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ

જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના વાદળી દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, ત્યારે લોખંડ એ કોપરનું વિસ્થાપન કરે છે

displacement reaction iron nails in copper sulphate solution std 10 science ch 1


૩. રાસાયણિક સમીકરણ

Fe (s) + CuSO4 (aq) → FeSO4 (aq) + Cu (s)
(લોખંડ) + (કોપર સલ્ફેટ - વાદળી) → (આયર્ન સલ્ફેટ - લીલો) + (કોપર)

૪. શું ફેરફાર જોવા મળે છે?

  • કોપર સલ્ફેટનો વાદળી રંગ ઝાંખો થઈને લીલાશ પડતો બને છે.
  • લોખંડની ખીલી પર લાલાશ પડતા કથ્થઈ રંગનું કોપરનું પડ જામી જાય છે.
⭐ પરીક્ષા માટે નોંધ:
આ પ્રક્રિયામાં લોખંડ (Fe)કોપર (Cu) કરતા વધુ સક્રિય હોવાથી તે કોપરને છૂટું પાડે છે. જો તમે કોપરની ખીલીને આયર્ન સલ્ફેટમાં મૂકો, તો કોઈ પ્રક્રિયા થશે નહીં.

📌 પ્રશ્ન: રેડોક્સ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. (૪ ગુણ)

૧. પ્રસ્તાવના અને વ્યાખ્યા

કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રીડક્શન બંને ક્રિયાઓ હંમેશા સાથે જ જોવા મળે છે. તેને સમજવા માટે નીચેની વ્યાખ્યાઓ મહત્વની છે:

ઓક્સિડેશન: જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન (O₂) મેળવે અથવા હાઈડ્રોજન  (H₂ )ગુમાવે.
રિડક્શન: જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન (O) ગુમાવે અથવા હાઈડ્રોજન  (H₂) મેળવે.

રેડોક્સ પ્રક્રિયા: "જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે."

૨. પ્રાયોગિક ઉદાહરણ અને સમજૂતી

જ્યારે કાળા રંગના કોપર (II) ઓક્સાઈડ (CuO) ને ગરમ કરીને તેના પરથી હાઈડ્રોજન વાયુ (H₂ ) પસાર કરવામાં આવે છે, ત્યારે તેની સપાટી પર લાલ-કથ્થઈ રંગનું કોપર જમા થાય છે.


redox reaction of copper oxide with hydrogen gas oxidation and reduction gujarati



૩. રાસાયણિક સમીકરણ

CuO + H2 Cu + H2O

૪. પ્રક્રિયામાં શું થાય છે? (Step-by-Step)

પદાર્થ: CuO કોપર ઓક્સાઈડ ઓક્સિજન ગુમાવે છે અને Cu માં ફેરવાય છે. આથી તેનું રિડક્શન થયું કહેવાય.
પદાર્થ: H2 હાઈડ્રોજન વાયુ ઓક્સિજન મેળવે છે અને H2O માં ફેરવાય છે. આથી તેનું ઓક્સિડેશન થયું કહેવાય.

૫. અન્ય ઉદાહરણો

રેડોક્સ પ્રક્રિયાના બીજા જાણીતા ઉદાહરણો નીચે મુજબ છે:

  • ZnO + C → Zn + CO (ઝિંક ઓક્સાઈડનું રિડક્શન અને કાર્બનનું ઓક્સિડેશન)
  • MnO2 + 4HCl → MnCl2 + 2H2O + Cl2
⚠️ યાદ રાખો: જેનું ઓક્સિડેશન થાય તે 'રિડક્શનકર્તા' કહેવાય અને જેનું રિડક્શન થાય તે 'ઓક્સિડેશનકર્તા' કહેવાય!

🛡️ ક્ષારણ અને ખોરાપણું

૧. ક્ષારણ (Corrosion)

જ્યારે લોખંડ જેવી ધાતુ હવા અને ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જામી જાય છે, જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે.

ઉદાહરણ: લોખંડ પર કાટ લાગવો, ચાંદી પર કાળા રંગનું સ્તર જામવું, અને તાંબા-પિત્તળ પર લીલા રંગનું સ્તર જામવું.

૨. ખોરાપણું (Rancidity)

જ્યારે તેલ અથવા ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે છે, ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે. આને કારણે તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે, જેને ખોરાપણું કહે છે.

કેવી રીતે અટકાવવું?
• પેકેટમાં નાઈટ્રોજન (N2) જેવો નિષ્ક્રિય વાયુ ભરીને (દા.ત. ચિપ્સના પેકેટ).
• એન્ટી-ઓક્સિડન્ટ પદાર્થો ઉમેરીને.
• ખોરાકને હવાચુસ્ત (Air-tight) પાત્રમાં રાખીને.
⭐ MCQ માટે ખાસ:
ચિપ્સ કે બટાકાની વેફરના પેકેટમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ આવશે: નાઈટ્રોજન.

🔥 મેગ્નેશિયમની પટ્ટીનું દહન

પ્રશ્ન: મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર (Sandpaper) થી કેમ સાફ કરવામાં આવે છે?

✅ ઉત્તર (સરળ ભાષામાં):

મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. જ્યારે તે હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઈડ (MgO) નું એક નિષ્ક્રિય અને રક્ષણાત્મક સ્તર બની જાય છે.

આ સ્તર એટલું મજબૂત હોય છે કે તે મેગ્નેશિયમને આગળ સળગતા અટકાવે છે. તેથી, પટ્ટીને સરળતાથી સળગાવવા માટે અને ઓક્સિજન સાથે તેની પ્રક્રિયા વ્યવસ્થિત થાય તે માટે તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે.



🧪 રાસાયણિક સમીકરણ:

2Mg (s) + O2 (g) → 2MgO (s)
(મેગ્નેશિયમ) + (ઓક્સિજન) → (મેગ્નેશિયમ ઓક્સાઈડ)

💡 યાદ રાખવા જેવી ખાસ વાતો:

  • મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે.
  • પ્રક્રિયાના અંતે જે સફેદ પાવડર મળે છે, તે મેગ્નેશિયમ ઓક્સાઈડ ($MgO$) છે.
  • આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે, તેથી તેને ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહેવાય છે.
👨‍🏫 શિક્ષકની સલાહ:
પરીક્ષામાં જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય, ત્યારે ઉપરનું સમીકરણ જરૂર લખજો. સમીકરણ વગર તમારો જવાબ અધૂરો ગણાય છે!

⚖️ રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની રીત

મિત્રો, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું એટલે શું? સાદી ભાષામાં કહીએ તો, પ્રક્રિયકો (ડાબી બાજુ) અને નીપજો (જમણી બાજુ) બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી હોવી જોઈએ.

નિયમ: દ્રવ્ય સંચયના નિયમ મુજબ, રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તેથી બંને બાજુ પરમાણુઓ સમાન હોવા જ જોઈએ.

🚀 હિટ એન્ડ ટ્રાયલ (Hit and Trial) પદ્ધતિ

ચાલો એક ઉદાહરણથી સમજીએ જે બોર્ડમાં ઘણીવાર પૂછાય છે: લોખંડની વરાળ સાથેની પ્રક્રિયા

અસંતુલિત સમીકરણ:
Fe + H2O → Fe3O4 + H2

સ્ટેપ-બાય-સ્ટેપ સોલ્યુશન:

  1. સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પકડો: અહીં જમણી બાજુ O4 છે, જ્યારે ડાબી બાજુ માત્ર એક જ O છે. તો H2O ને 4 વડે ગુણો.
    → Fe + 4H2O → Fe3O4 + H2
  2. હવે હાઈડ્રોજન જુઓ: ડાબી બાજુ 4 × 2 = 8 હાઈડ્રોજન થયા. જમણી બાજુ 8 કરવા માટે H2 ને 4 વડે ગુણો.
    → Fe + 4H2O → Fe3O4 + 4H2
  3. છેલ્લે લોખંડ (Fe) જુઓ: જમણી બાજુ 3 Fe છે, તો ડાબી બાજુ Fe ને 3 વડે ગુણો.
    3Fe + 4H2O → Fe3O4 + 4H2

✅ ફાઈનલ સંતુલિત સમીકરણ:
3Fe(s) + 4H2O(g) → Fe3O4(s) + 4H2(g)

💡 ખાસ ટિપ:
જ્યારે તમે સમીકરણ સંતુલિત કરો, ત્યારે ક્યારેય પણ સૂત્રની અંદરના અંક (દા.ત. H2O માં 2) બદલવા નહીં, હંમેશા આખા અણુની આગળ જ અંક મૂકવો.

તમારા માટે પ્રેક્ટિસ:
1. NaOH + H2SO4 → Na2SO4 + H2O
2. BaCl2 + H2SO4 → BaSO4 + HCl

🧈 સમીકરણ સંતુલિત કરવાની "માખણ ટ્રીક" (ABC Method)

ચોપડીની લાંબી રીતો ભૂલી જાઓ! ચાલો શીખીએ એક એવી ટ્રીક જે ક્યારેય ખોટી નહીં પડે. 😎

ટ્રીકનું નામ: "બધાને ગુણી નાખો" (The ABC Trick)

📍 સ્ટેપ-૧: બધાની આગળ a, b, c, d લગાડી દો

ધારો કે આપણી પાસે સમીકરણ છે:
aNH3 + bO2cNO + dH2O

📍 સ્ટેપ-૨: તત્વોની સરખામણી કરો (મેથ્સની જેમ)

  • 🔹 N માટે: ડાબી બાજુ 1 'a' છે, જમણી બાજુ 1 'c' છે. → a = c
  • 🔹 H માટે: ડાબી બાજુ 3 'a' છે, જમણી બાજુ 2 'd' છે. → 3a = 2d
  • 🔹 O માટે: ડાબી બાજુ 2 'b' છે, જમણી બાજુ (1c + 1d) છે. → 2b = c + d

📍 સ્ટેપ-૩: કોઈ પણ એકને ૧ ધારી લો (ધારો કે a = 1)

જો a = 1, તો c = 1
3(1) = 2d → d = 3/2
2b = 1 + 3/2 → 2b = 5/2 → b = 5/4

📍 સ્ટેપ-૪: છેદ ઉડાડવા બધાને ૪ વડે ગુણો

હવે આપણને મળ્યા: a=4, b=5, c=4, d=6

4NH3 + 5O2 → 4NO + 6H2O

💡 મખ્ખન ટ્રીક (Short-cut):

જો તમને આ ABC અઘરું લાગે, તો હંમેશા METALS → NON-METALS → OXYGEN → HYDROGEN ના ક્રમમાં સંતુલિત કરો.

૧. પહેલા ધાતુ (Na, Mg, Fe) સરખા કરો.
૨. પછી અધાતુ (Cl, S, N) જુઓ.
૩. ઓક્સિજન છેલ્લેથી બીજું અને હાઈડ્રોજન સૌથી છેલ્લે!

🔥 આ ટ્રીક વાપરીને જુઓ, એક પણ માર્ક નહીં કપાય! 🔥

Chapter 2 science link👇https://pramukhdps.blogspot.com/2026/01/title-10-2-shorts-notes-std-10-science.html

🎯 ધોરણ 10 વિજ્ઞાન સંપૂર્ણ IMP મટીરીયલ (પ્રકરણ 1 થી 13)

​બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણ 1 થી 13 ના મોસ્ટ IMP પ્રશ્નો અને જવાબોની સંપૂર્ણ PDF નીચેથી ડાઉનલોડ કરો. ટેબલ અને ટ્રીક પણ આપ્યા છે જેથી તમને યાદ તરત રહી જશે. અને શોર્ટનોટ્સ પણ આપી છે જેથી તમે આગલા દિવસે બધું જ રિવિજન થઈ જાય.

​👉 અહીં ક્લિક કરો: સંપૂર્ણ PDF ડાઉનલોડ કરો (₹60)